યજ્ઞેશભાઈની સ્મૃતિઓ

Yagnesh Acharya played dhol and rhythm in Poyani Oza's Khushboo Kala Vrind and in Kala Sangam, and was part of Nupur Zankar's musicians. His writing, shared in Gujarati newspapers and WhatsApp groups, keeps alive what Bhavnagar's garba stage was like from the inside. His pieces are reproduced here in full, in his own words.

3 ભાવનગરીઓએ દુનિયાના ચાચર ચોકે મુક્યો… એ ગરબાના શબ્દ-સ્વર રચનાની રસભર વાત

The garbo three Bhavnagaris took to the garba squares of the world: the delightful story of how its words and tune were made

P1

દુનિયાનો સૌથી લાંબો ભારત અને તેમાં પણ ગુજરાતનો નવરાત્રિ મહોત્સવની તૈયારી ગુજરાતના નાના મોટા શહેરોમાં શરુ થઇ ગઇ છે, બે-ત્ર વર્ષ પહેલા યુનેસ્કોએ જેમને પ્રમાણિત કર્યો છે એવા ગુજરાતના ગરબા-રાસના પર્વ નવરાત્રિનો ઉત્સવ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા,યુ.એ.ઇ. યુ.કે.માં તો એક માસ પહેલા ઉજવવાની શરુઆત થાય છે તેનું કારણ એ છે કે ગુજરાત-મુંબઇના ગાયકો, વાદ્યકારોની તારીખો મળી રહે. નવરાત્રિનો માહોલ જામી રહ્યો છે ત્યારે દુનિયાપાર પહોંચેલા એક મીઠા મધુરા ગરબાના સ્વરાંકન આસપાસની મસ્ત વાત જાણવા જેવી છે.

P2

ભાવનગરના આજે ૮૯ની વયે પહોંચેલા મહમદભાઇ દેખૈયાની સ્વર બાંધણી સ્વ.કવિ શ્રી રાહી ઓધારિયાના શબ્દો અને પોતાની આગવી સૂર સમજને સાથે લઇ જનાર એ જ નગરના પાર્થિવ ગોહિલ મળી ત્રણ ભાવનગરીઓના રચાયેલા ત્રિવેણી સંગમ સમાન એક ગરબો ’ગરબે રમવા નિસર્યા માડી, તારી આરત કાજે’ ને દુનિયાના પલટ ઉપર રમતો કરી સવા બશેર લોહી ચડે એવું આ સ્વરાંકનનું નજરાણું ભાવનગર ફર્સ્ટના હોનહાર હિમાયતી એવા પાર્થિવ ગોહિલે પોતાની વિશિષ્ટ કોઠા સુઝથી આધુનિક ટેકનોલોજીના સહારે એક અલગ જ શણગારથી સજાવીને તેની VCD પ્રસ્તુત કરીને તેના સ્વરકાર અને શબ્દકારને માનવંતી ક્રેડિટ આપીને તેઓના યોગદાનને ચિરસ્મરણિય તો બનાવ્યું છે. તે સાથે પાર્થિવે પોતિકા નગરના સાંગીતિક સંસ્કારની સોડમને વૈશ્વિક ફલક ઉપર મૂકીને આ ગરબાની જ્યોતિને પ્રગટાવતી રાખી છે. આ ગરબાની શબ્દ ગુંથણી અને સ્વર બાંધણીની વાત પણ રસપ્રદ છે.

P3

લગભગ ૧૯૭૮ની આ વાત છે. આપણા વિવિધ પર્વોને નૃત્યના માધ્યમથી રજૂ કરવા ’પરવણી’ શિર્ષક હેઠળ શ્રીમતી પોયણીબેન ઓઝાએ તૈયારી શરુ કરતા પૂર્વે મહમદભાઇ દેખૈયા અને રાહી ઓધારિયા સાથે ચર્ચા કરી. ફાગણની , નવરાત્રિ અને દિવાળી પર્વો માટે નવા અર્વાચીન ગરબા તૈયાર કરવાનો અને તેમાં દીવડા અને મંજીરા સાથે ગરબો પ્રસ્તુત કરવાનો ઇરાદો જણાવ્યો. અને તે માટે તદ્દન નવા જ શબ્દો અને સ્વરાંકન કરવા બન્નેને આગ્રહ કર્યો. સ્વાભાવિક જ દીવડા સાથે ગરબે ઘૂમવાનું હોય તો થોડી વિલંબિત લયમાં સ્વરાંકન કરવું પડે. એ સમયે ભાવનગરમાં સૌથી વહેલી પ્રેકટીસ તેમના ’ખૂશ્બુ કલા વૃંદ’ની શરુ થતી એટલે મહમદભાઇ અને ગરબા લખતા કવિ શ્રી રાહી ઓધારિયા પણ માનસિક તૈયાર રહેતા.

P4

ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે ચંદુભાઇની ચા ની લારી, બાજુમાં પ્રેમ ન્યુઝ એજન્સીના પાટીયે કાર્યક્રમ હોય કે ના હોય ભાવનગરના નાના કે મોટા કલાકારો, કે કવિઓ ભેગા થતા. રાત્રે દસેક વાગ્યા હશે, આ સ્વરાંકન કેવી રીતે સ્વરાકાર પામ્યુ તેની વાત....’મહમદભાઇએ રાહીને કહ્યું, મનમાં એક સ્વરાંકન આવ્યું છે. હું અને રાહી મોતીબાગ ટાઉન હોલ ગયા આ જગ્યામાં આગળના ભાગે વિદ્યાર્થીઓ વાંચવા આવતા એટલે થોડી ચહલ પહલ રહેતી. પરંતુ પાછળની લોબીમાં નિરવ શાંતી હોય. રાહી કર્મે શિક્ષક, તેનો થેલો સાથે જ હોય નોટ બુક કાઢી મહમદભાઇએ કહ્યું દીવડા અને મંજીરા સાથે દીકરીઓ ગરબા કરશે એટલે તે વાત કેન્દ્રમાં રાખી લખજે અને કહ્યું કે તાલ દાદરાનું મીટર મગજમાં રાખજે. રાહી પોતે પણ રીધમિસ્ટ એટલે તાલ લયના બોલથી પણ વાકેફ. મહમદભાઇ અને રાહીની સ્વરકાર અને ગીતકાર તરીકેની આ જોડીને ઘણા રામ-રહિમની જોડી તરીકે પણ ઓળખાવતા. રાહીને તમે વિચાર આપો એ વિચાર ઉપર ઝડપથી કવિતા કે ગીત લખી આપે એ તેની કાબેલિયત હતી.. મને મિત્ર રાહીનો ઘણો લાભ મળ્યો છે. એ રાત્રે રાહીએ ગરબાની સ્થાયી લખવામાં છ સાત કાગળ લખ્યા, પણ બન્નેને શબ્દો જામતા નહોતા. રાત્રે સાડા બાર વાગે પાછા ચા પીવા ગયા અને આવીને પાછો આયામ ચાલુ કર્યો. આમ કરતા કરતા પરોઢીયું થયું, નિરવ શાંતી વચ્ચે ભીડભંજન કે બાજુના જશોનાથ મંદિર અને ટેકરી ઉપરના તખ્તેશ્વર મંદિરમાંથી નગારા કે નોબત-ઝાંઝ-મંજીરા સાથે આરતીનો નાદ ગુંજતો સંભળાયો. રાહીને સ્થાયી સૂજી ’ગરબે રમવા નિસર્યા માડી તારી આરત કાજે, તાલે તાલે માના ગરબા કેરા ચોક નિરંતર ગાજે’ નોટ બુકના ફકત બે જ પાના બાકી રહ્યા હતા. મહમદભાઇએ મનમાં રહેલા સ્વરાંકન અને શબ્દોને ગણગણ્યા. આખો ગરબો લખાયો, બન્ને ખુબ ખુશ હતા, મળસ્કે પાંચ સાડા પાંચે ખુલતી ગામના તળાવની પાળે આવેલી બખતમલની દુકાને મોઢા ઉપર છાંટેલા પાણીએ, ભાવસભર સ્વરાંકન અને શ્રધ્ધાસભર શબ્દોએ આખી રાતના ઉજાગરાને કોરાણે મૂકી દીધો હતો. ચા પીધી, સવારે સાત વાગે ત્યાંથી સીધા પોયણીબેનના દિવાનપરાના નિવાસે ગયા, તેમને ગરબો સંભળાવ્યો. પોયણીબેને વાતનું અનુસંધાન જોડતા કહ્યું, ’રાત્રે ફરી ભાવનગરમાં એ સમયના જાણીતા તબલા વાદક અમરીશ મહેતા સાથે અમે ભેગા થયા હાર્મોનિયમ સાથે ગરબો મહમદભાઇ ગાતા જાય, પોયણીબેન, તેમનો નાનો દિકરો તેજસ પણ ગરબાના મુખડા પછી થોડો આલાપ ઉમેરવા સૂચવતા જાય, ફરી આલાપના ઉમેરણ સાથે ગરબો ગવાય એ સાથે ઘડિયાળનો કાંટો પણ ફરતો જતો હતો. ગરબામાં થોડી કોરીઓગ્રાફિક ફાસ્ટ મુવમેન્ટ અને તાલનું વૈવિધ્ય પણ ઉમેરવા પતિ મૌલેશભાઇ અને મારા માતુશ્રી પ્રજ્ઞાબેનનું સામુહિક સૂચન ઉમેરાયું અને મુળ દાદરાના તાલ સાથે બીજો તાલ ખેમટો અને સમૂહ સ્વરોમાં આલાપ ઉમેર્યો, આમ આખું સ્વરાંકનનું પેકેજ થતાં મધરાત થઇ ગઇ. બીજા દિવસે ભાવનગરની એ સમયની અવ્વલ ગાયીકા રેખા ભટ્ટને સ્વરાંકન સમજાવ્યું અને આમ આ સ્વરાંકન રમતું મૂકાયું.’

P5

પોયણીબેને કહ્યું આ ગરબો સાંભળ્યા પછી અમારા ઘરના સહુએ ભાખ્યું હતું કે આ સ્વરાંકન અને શબ્દો વરસો સુધી સ્વરકાર અને ગીતકારનો સ્મરણોત્સવ ઉજવતું રહેશે.

P6

સૌ પ્રથમવાર રેખા ત્રિવેદીએ આ સ્વરાંકન અને શબ્દોમાં પોતાનો અધ્યાત્મ ભાવ લડાવીને બ્હેનોની ગરબા ગૂંથણી સાથે પ્રસ્તુત કર્યું ત્યારે આ ગરબાની જ્યોતિ ગર્ભદીપમાંથી પ્રગટીને ભાવ વૈભવની ભોરને આંબશે તેવો પાકો વિશ્વાસ હતો, આજે વિશ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચેલો આ ગરબો તેનો પૂરાવો છે.’ ત્યારબાદ આ ગરબો ગુજરાતના ગૌરવરુપ ગાયક પિનાકીન મહેતા, રાજકોટના પુષ્પાબેન છાયા, વિપુલ આચાર્ય, કલ્યાણી કૌઠાળકર, સ્વાતિ પાઠક, સ્નેહલ પાધ્યે-શેવડે, દેવયાની ઓઝા, દિશાની મહેતા વગેરેના કંઠમાં પણ ગવાયો છે.

P7

આ ગરબો ભાવનગર અને ગુજરાતના અનેક નામાંકીત ગાયક કલાકારોને રજૂ કરતા સાંભળું છું ત્યારે એ દીવ્ય ભાવ નજર સમક્ષ આવી જાય છે. ભાવનગરના કલા સંસ્કારને ગર્વભેર સાથે લઇ ફરતા નિતાંત ભાવનગરી સલિલ મહેતા નિર્મિત ’સૂરીલી સરગમ’માં આ ગરબાની પ્રસ્તુતિ કરાવીને તેને ગુજરાતના ખૂણે ખૂણે લોકપ્રિય કરાવ્યો છે.

P8

મહમદભાઇ દેખૈયા અને રાહી ઓધારિયાએ તેની કારકિર્દીમાં ૨૫-૩૦ ગરબાઓ, ભક્તિ ગીતો, સમૂહ ગીતો અને ગુજરાતી ગીત ગઝલો મળી સાડા ત્રણસો જેટલા સ્વરાંકનો આપ્યા છે. ભાવનગરની ઐતિહાસિક અને આધુનિક ઓળખને ઉજાગર કરતું લગભગ પચ્ચીસ વર્ષ અગાઉ લખેલું ગીત ’ આ ભાવનગર છે ભાતીગળ’ આજે પણ ભાવનગર અને આસપાસમાં યોજાતા કાર્યક્રમોમાં પ્રસ્તુત થતું રહે છે.

નવરાત પહેલાની વાત ભાવનગરમાં ગરબા સંસ્કારને નાડા છડી બાંધનાર પ્રજ્ઞાબેન ઓઝા- કુંજલત્તાબેન મહેતા

Pragnaben Oza and Kunjlataben Mehta, who gave Bhavnagar's garba tradition its auspicious start

Pragnaben Oza and Kunjlataben Mehta, who planted the pillar of garba culture in Bhavnagar. Article by Yagnesh Acharya, City Anchor page, 4 October.
Press: City Anchor, Yagnesh Acharya, 4 October

Press: City Anchor, Yagnesh Acharya, 4 October

As printed in the newspaper
P1

સૌરાષ્ટ્રમાં ભાવનગર તેની ગરબા રાસની સંસ્કૃતિમાં લાગલગાટ ૨૦૧૫ સુધી મોખરે રહ્યું હતું. ક.પરા કામદાર કલ્યાણ કેન્દ્ર જોમવંતા પ્રાચીન ગરબા માટે દેશભરમાં પ્રખ્યાત હતું. કરચલિયા પરાની બહેનો એટલી તાકાતથી ગરબે ઘૂમતી કે લાકડાના સ્ટેજ ઉપરની ખિલીઓ બહાર આવી જતી.

P2

સ્કૂલમાંથી છૂટી ઘરે જતાં રસ્તામાં જૂની ઇન્ફન્ટ્સ સ્કૂલવાળા મકાનમાં ગરબા અને તાળીઓના અવાજ સાંભળવા મળતા. આ મકાનના માલિક સૌનક મહેતાના માતુશ્રી કુંજલત્તાબેન કનુભાઇ હતા. અમારા પરિવારનો તેમની સાથે પારિવારિક નાતો રહ્યો. કુંજબેનના નામે જાણિતા.

P3

આ પછી ગઢની રાંગે મોસાળ જવાનું થતું તો ત્યાં ભાદરવા માસની શરુઆતથી નાગર બહેનોના ગરબા અને તાળીઓના સૂરીલા અવાજો કાને પડતા. ભાવનગરમાં અર્વાચીન ગરબાની સંસ્કૃતિનો માણેક સ્થંભ રોપી તેને નાડાછડી બાંધનારા આ બન્ને સન્નારીઓ ઉપરાંત શ્રીમતી યોગેશ્વરીબેન દેસાઈ શ્રીમતિ ભુવનેશ્વરી બેન દેસાઈની ભૂમિકા અવ્વલ સ્થાને હતી. શેરી ગરબાની શરુઆત ૧૯૫૮-૫૯માં તેઓએ કરી હતી. શરુમાં દિવાનપરાના આલિશાન મકાનના ચોકમાં આસો માસની નવરાત્રીના દિવસોમાં સમાનુશોખિન બહેનો એકત્ર થઇ માતાજીની છબી ફરતે ગરબા ગાતી અને જીલતી. સંગીતના સૂર ગળથૂથીમાં મળ્યા હોય તેમ એક સરખા સૂરીલા અવાજમાં ગરબા ગવાતા. ધીમે ધીમે આ જગ્યા નાની પડતા રુવાપરી પોલીસ ગેટની બાજુની ગલીમાં આવેલ મહાજનના વંડામાં ટેબલ ઉપર માંડવીમાં મા જગદંબાની તસ્વીર અને ગરબામાં દીવો પ્રગટાવીને પૂરા શ્રધ્ધાભાવ સાથે નાગર બહેનો ફરતા ગરબા ગાતી અને જીલતી. અહીં ભક્તિ ભાવથી માં જગદંબાની આરતી સમૂહમાં ગાયન સાથે કરાતી અને જુદા જુદા પરિવારો દ્વારા માતાજીનો પ્રસાદ વહેંચાતો.

P4

ત્યારબાદ વિવિધ જ્ઞાતી મંડળો પણ પોતાની જ્ઞાતિની વાડીમાં ગરબાના આયોજનો કરતા થયા.

P5

મોટેભાગે દિવાનપરા અને ભગાતળાવમાં વસતા નાગર પરિવારોએ બહેનોની વધુ મોકળાશ માટે માતાજીના ફરતા ગરબાની શરુઆત ભોજાવાડો નામે ઓળખાતી નાગર જ્ઞાતિની વાડી' શ્રી હરિ નાગરની નિવાસ'માં કરી તેમાં વાડીની નજીક રહેતા શ્રીમતી ચંદ્રપ્રભાબેન વોરા, શ્રીમતી સુધાબેન દેસાઈ, શ્રીમતી હર્ષવીણાબેન દેસાઈ, શ્રીમતી રાસેશ્વરીબેન દેસાઈ જોડાતા શ્રીમતી પ્રજ્ઞાબેન, કુંજલત્તાબેન મહેતા, યોગેશ્વરીબેન ભુવનેશ્વરીબેન વગેરેનો ઉત્સાહ વધ્યો. તેમાંથી ’નૂપુર ઝંકાર’ નામે એક ગરબા સંસ્થાનું અવતરણ થયું.

P6

૧૯૬૦માં ગરબાને શેરીમાંથી મંચ ઉપર લાવવાની શરુઆત પ્રજ્ઞાબેન ઓઝા અને કુંજલતાબેન મહેતાએ કરી આ બેલડીએ "નૂપુર ઝંકાર"ના નેજા હેઠળ ભાવનગરમાં "બાર ગરબા"નો એક સળંગ કાર્યક્રમ પ્રથમવાર રજૂ કર્યો, જે ખુબ વખાણાયો. આ કાર્યક્રમમાં સરસ્વતીચંદ્ર ફિલ્મના મુખ્ય કલાકાર શ્રી મનીષકુમારે પ્રોત્સાહક હાજરી આપી આ પ્રયોગની ભરપૂર પ્રસંશા કરી હતી.

P7

ભાવનગરના મર્યાદીત પ્રચાર માધ્યમોએ તેને સમાચારમાં આપેલા સરસ સ્થાનના કારણે કુંજબેન અને પ્રજ્ઞાબેનનો પોરસ બેવડાયો.

P8

પછી તો ભાવનગરની નામાંકિત સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ, રોટરી ક્લબ,ડોક્ટર એસોસિએશન વગરે સંસ્થાઓના પરિસંવાદ કે મેળાવડામાં ’નૂપુર ઝંકાર’ને આમંત્રણો મળવા લાગ્યા.તે સાથે તેની લોકપ્રિયતા ભાવનગર બહાર પણ વધવા લાગી.

P9

એ વરસોમાં ભાવનગરમાં ઉપલબ્ધ મર્યાદીત મંચનો ગ્રાન્ડ રીહર્સલ માટે ઉપયોગ કરવા આમંત્રણ મળતું.તેની પાછળનો હેતુ આ વિસ્તારોમાં રહેતા પરિવારોની દીકરીઓને ગરબા સંસ્કૃતિમાં શામેલ કરવાનો હતો.

P10

૧૯૬૫ આસપાસ શરુ થયેલી નૂપુર ઝંકારની લોકપ્રિયતાના કારણે અનેક વાલીઓએ પોતાની દીકરીઓને તેમાં શામેલ કરવાના અવિરત આગ્રહના પ્રવાહનું સ્વાગત કરીને સંસ્થાની પાંખ પસારી અને વિવિધ વય જૂથની બહેનો માટે અલગ અલગ ગરબાની કૃતિઓ તૈયાર કરવા નિર્ણય કર્યો. ’પ્રવિણ પેલેસ’ વિશાળ હોવાના કારણે વિવિધ વયજૂથની બ્હેનોને અલગ અલગ રુમમાં ગરબાની પ્રેકટીસની મોકળાશ મળી. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા, દાંડિયા રાસ, દીવડા ગરબો, માંડવી સાથેના ગરબા, તાળી ચપટીના ગરબા સુપડા, ટીપણી અને બેડા ગરબા જેવા વિવિધ પ્રકારના ગરબા તૈયાર કરાતા. ગરબાની લોકપ્રિતાનો પિંડ ભાવનગરમાં આ રીતે બંધાયો.

P11

આ પ્રવૃત્તિને પોષવા અને પોંખવામાં શિશુવિહાર સંસ્થા,થિઓસોફીકલ લોજ, ગાંધી સ્મૃતિના પાછળના ભાગે આવેલા રંગમંચ, માણેકવાડી અખાડાનો મંચ જેવી મર્યાદીત સુવિધાનો સિંહફાળો રહ્યો હતો.

P12

મારા આગ્રહને સ્વીકારીને પ્રતિકૂળતા વચ્ચે પણ ભાવનગરના ગરબાના ભવ્ય ઇતિહાસને ફરી તાજો કરવા પોયણીબેન અને મૌલેશભાઇ ઓઝાએ આપેલો આ ખજાનો તેમના શબ્દોમાં વધુ ખોલું તો...

P13

"નૂપુર ઝંકાર"માં ગરબાના ત્રણ ગ્રુપ કરવામાં આવ્યા. મોટી બહેનોના ગ્રુપમાં શ્રીમતી તૃષા ઓઝા, શ્રી યામિની ઓઝા, શ્રીમતી શોભના ઓઝા-મહેતા, શ્રીમતી સાધના મહેતા, શ્રી સોહિની વિરાણી, શ્રીમતી રોહિણીબેન વ્હોરા, શ્રીમતી વિશાખાબેન દેસાઈ, શ્રીમતી કિન્નરી ઓઝા, શ્રી રજનીબેન દેસાઈ, શ્રી મહિલાબેન વોરા, શ્રીમતી મંદાકિની બહેન મહેતા,શ્રી ઈરાબેન બૂચ, શ્રીમતી હર્ષદાબેન મહેતા, શ્રી વર્ષાબેન દેસાઈ, શ્રી ભાવનાબેન મહેતા, શ્રીમતી ભારતીબેન ભાર્ગવ પંડ્યા, વગેરે કલાકાર બહેનનું ગ્રુપ હતું. જ્યારે નાની બહેનોના બે ગ્રુપમાં સર્વશ્રી પોયણી ઓઝા, ઊર્મિ દેસાઈ, ક્ષમા આચાર્ય, વિરાજ મહેતા, કૃપા દેસાઈ, શાંભવી દેસાઈ, મીરા મહેતા, ભાવના વોરા, મનીષા મહેતા, શૈલજા મહેતા, કેતકી મહેતા, માધવી વૈદ્ય, અશ્વિના શાહ, મીના અંજારિયા, જાગૃતિ દેસાઈ, દર્શના દેસાઈ, ભાવના દેસાઈ, સ્મૃતિ બૂચ, સ્વરૂપબેન વિરાણી, શાંભવી મહેતા- (શિલ્પા), જાગૃતિ ઓઝા, સંધ્યા મહેતા, માતંગી ધોળકિયા, શ્રી કુસુમ ભટ્ટ, મીના ભટ્ટ વગેરે કલાકારો હતા.

P14

મોટી બહેનોની ગરબા ગુંથણી શ્રીમતી શોભના ઓઝા અને શ્રીમતી સોહીણી વિરાણી કરતા.

P15

નાની બહેનોની ગરબા ગુંથણી શ્રી પોયણી ઓઝા કરતા. વિવિધ પર્વોને ગરબાના ગોખે પ્રગટાવીને તેમણે નિર્માણ કરેલા ’પરવણી’ કાર્યક્રમને ભાવનગર આજે પણ યાદ કરે છે.

P16

નૂપુર ઝંકારના ગાયક વૃંદમાં શ્રીમતી તૃષા ઓઝા, શ્રી વર્ણા મહેતા, શ્રી યામિની ઓઝા, શ્રી માતંગી ધોળકિયા, માધવી વૈદ્ય મુખ્યત્વે હતા. વાદ્ય વૃંદમાં કલા ગુરુ મહમદ દેખૈયા, ભાર્ગવ પંડ્યા, પ્રદીપ ભટ્ટ, બળવંત ગોહેલ, અંબરીષ મહેતા, સુરેશ વાઘેલા, બળવંત પરમાર, નરેન્દ્ર પરમાર, તરુણ મહેતા, કમલ વિરાણી, હરિહર કાપડી, હર્ષદ શાહ, અને આ લખનાર વગેરે રહેતા.

P17

અનિવાર્ય સંજોગોના કારણે કોઇ બહેનને ગરબામાંથી છેલ્લી ઘડીએ નીકળી જવાની ફરજ પડે ત્યારે તેની જગ્યાએ ૧૨માં ખેલાડી તરીકે પોયણી ઓઝાએ તાત્કાલિક સ્ટેજ પર ત્રણ ગરબામાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો.

P18

ગુજરાત રાજ્ય નૃત્ય નાટ્ય અકાદમી તરફથી દર વર્ષે યોજાતી પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધામાં "નૂપુર ઝંકાર"એ ઘણા પારિતોષિકો, જિલ્લા અને રાજ્યકક્ષાએ મેળવ્યા હતા.

P19

૬૦-૬૫ના વર્ષોમાં અત્યારની જેમ ગરબા માટેના ડ્રેસ ભાડે મળતા નહોતા, જેથી પ્રજ્ઞાબેન ઓઝા અને તેમના માતુશ્રી ચંપાબેન ઓઝા, શ્રી રતિબેન દેસાઈ પોતાની સફેદ સાડીઓ રંગાવીને, લગડી, પટ્ટા મૂકીને દરજી પાસે સીવડાવતા. આભૂષણ પણ ભાડે મળતા નહોતા ત્યારે તેના બદલે પિત્તળ પાનના આભૂષણો જાતે બનાવીને પહેરતા.

P20

વિશિષ્ટ વાત એ હતી કે "નૂપુર ઝંકાર" માટે કોઈ પાસેથી ડોનેશન લેવાતું નહી. પ્રજ્ઞાબેન અને કુંજલતાબેન સ્વખર્ચે કાર્યક્રમો કરતા, એટલું જ નહી બહેનોને પ્રોત્સાહનરૂપે લહાણી પણ આપતા.

P21

’નૂપુર ઝંકાર’ બાદ મહેન્દ્રભાઇ ભડિયાદ્રાએ એકટિવ કલા સંસ્થાના માધ્યમથી ઘણા વર્ષો સુધી ભાવનગરમાં અર્વાચીન ગરબાની સંસ્કૃતિને ધબકતી અને ઝબકતી રાખી હતી. ભાવનગરની ગરબા સંસ્કૃતિના ગોખમાં વ્યાપ્ત શૂન્યવકાશમાં માત્ર સ્મરણાંજલિના સૂસવાટા સંભળાય છે. કાશ એ ભવ્ય કાળચક્રનું પુનરાવર્તન થાય તો કેવું?

નવરાત્રિના નેપથ્યમાં ટહેલવુ ગમે તેવા ભાવનગરના ચિરંજીવ ટાણાં

A Stroll Backstage at Navratri: Bhavnagar's Timeless Moments

P1

નવરાત્રિના દિવસો મધ્યે છે ત્યારે ગરબા-રાસના ક્ષેત્રની કેટલીક રસપ્રદ વાતોના ટહુકા વ્યક્ત થવા થનગની રહ્યા છે. બહુ રત્ના વસુંધરા-ભાવનગરે અનેક સર્જનાત્મક પ્રતિભાઓ આપી છે.એમાના ચિત્રકલા, કવિતા, સંગીત, નૃત્ય જેવી અનેક કલાઓના જ્ઞાતા એવા ૧૯૫૩માં ’સપ્તકલા’શરુ કરનાર જગદીપભાઇ વિરાણીને આકાશવાણીના રાજકોટ કેન્દ્રના ૪થી જાન્યુઆરી ૧૯૫૫ના રોજ ઉદઘાટન પ્રસંગે ગરબાની ટીમ લઇને આવવા આમંત્રણ મળેલું. એ વરસોમાં ગરબાની પ્રવૃત્તિ ચલાવતા પ્રજ્ઞાબેન ઓઝા અને કુંજલત્તાબેનને ગરબાની કોરીઓગ્રાફી કરવા આ જવાબદારી સોંપી અને તેમણે ગરબો લખ્યો ’ઓરે પશ્ચિમના વાયરા વાયા રે, અને મયુરે મલ્હાર રાગ ગાયા રે’ સપ્તકલાના તરલિકાબેન ભટ્ટ અને વૃંદના સ્વરમાં રજૂ થયેલા આ ગરબાના વખાણથી ગરબા સંસ્કૃતિને પ્રસરવાનો બાજોઠ મળ્યો. નવરાત્રિના નેપથ્યમાં ટહેલવું ગમે તેવા ચિરંજીવ ટાણાંએ આ નગરની રાસ ગરબા સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે.

P2

ભારતના વિવિધ પ્રદેશોને પોતાની પરંપરાગત લોકસંસ્કૃતિ છે, દાંડિયારાસ માટે જગવિખ્યાત ઘોઘા સર્કલ મિત્ર મંડળ અને બાદ ૧૯૭૩માં ’કલા સંગમ’ સ્થાપનાર જીતુ ભટ્ટે ગુજરાતના દાંડિયારાસ સાથે આસામના ’બાંબુ રાસ’ને જોડીને પોતાની સર્જન શક્તિનો પરિચય કરાવેલો. દર વર્ષે કાઠિયાવાડી રાસ સાથે કંઇક નવું કરવાની તેમની હોંશમાં લોક સાહિત્યના અભ્યાસુ આદરણિય ખોડીદાસભાઇ પરમારની હા અને સંમતિ મળે પછી જ તેઓ આગળ વધતા. પરમ મિત્ર જીતુ ભટ્ટે શ્રમજીવી બહેનોના ટીપણી નૃત્ય, રાસ અને ભાઇ બહેનો દ્વારા માતાજીની પ્રતિમા ફરતે એ વરસોમાં ભાવનગરમાં જુદા જુદા માઇ મંદિરોમાં રમાતી ગરબીનું એક જ કૃતિમાં સંયોજન કરી ’ટ્રાયો’ બનાવેલો અને તેમાં પરંપરાગત હિંચના તાલ ઉપરાંત કહેરવાનો ઉપયોગ કરેલો. તો ઘોઘા સર્કલના જયરાજસિંહ સરવૈયા, કિરીટ વ્યાસ, ઉપેન મહેતાએ તરણેતરના મેળામાં રમાતો હુડા રાસ તૈયાર કરેલો. આ સ્ટેજ પર રજૂ થતો રાસ નથી, પણ ઉત્સાહના આવેશમાં મેળામાં ફરતા ફરતા ઢોલનો અવાજ આવે એટલે યુવાનો ટોળામાં ભેગા થઈ રાસ રમવાનું શરૂ કરી દે છે. તેમાં સૌરાષ્ટ્રના ભરવાડ, રબારી, આહિર અને કોળી સમાજના લોકો જોડાય છે.તે દાંડિયા નહી પણ જોરદાર તાળી, પગના ઠેકા અને શરીરને વાંકુ ચૂકું કરીને તથા ’’હો.હો. હુડા.." ના હોંકારા સાથે રમાતો હોવાથી તેને હુડો કહે છે. હુડો એટલે જુસ્સો અને તાકાત.મેળામાં એક સાથે ૫૦-૧૦૦ પુરુષો ગોળ કુંડાળામાં, ખભે ખભા મિલાવીને " સાથે રમે છે. વચ્ચે ઢોલ અને જોડિયા પાવા વાગતા હોય છે.

P3

વિતેલા વરસોમાં ભાવનગરની નેપચ્પુન, એમેચ્યોર, એક્ટિવ કલા વૃંદ, કલાપથ જેવી અનેક સંસ્થાઓએ લોક સંસ્કૃતિની આન,બાન,શાન જાળવવા તનતોડ મહેનત કરી છે. નવરાત્રિના દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓ અને ક્લબ દ્વારા રાસ ગરબાની સ્પર્ધાઓ થતી. આવી એક સ્પર્ધામાં અનુભવેલો એક હાસ્ય રસિક પ્રસંગ જેને ભાવનગરના ઢોલના ઉત્તમ વાદક સ્વ. સુરેશ વાઘેલાએ શિર્ષક આપેલું ’જગાના ભગા’. આ સ્પર્ધામાં અમોએ કંઇક નવું કરવાના હેતુથી એકબીજાના ભાઇ-બ્હેનોએ ’ગોફ ગુંથન’ રાસની કૃતિ રજૂ કરી હતી. આ કૃતિમાં સ્ટેજની ઉપર એક ગોળ ફરે તેવી લાકડાની થાળી ફરતે આઠથી દશ કાણામાં દોરડું પરોવી તેનો દરેક છેડો ભાગ લેનારના દાંડિયા સાથે બાંધીને રાસ રમાય છે. જો કે કાળક્રમે દોરડાનું સ્થાન લીલા-પીળા રંગની સાડીઓએ લીધું છે. ગોફ ગુંથનમાં દોરડાને વળ કે આંટી ચઢાવવા માટે રાસના દાવ રમવા સાથે આંટી વ્યવસ્થિત ચડી રહી છે તેના ઉપર પણ ખેલૈયાઓએ ધ્યાન આપવું પડે છે. કૃષ્ણનગર સંસ્કાર મંડળના રંગમંચ ઉપર યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન ગોફ ગુંથન ત્રણ રાઉન્ડ સુધી બરાબર થયું પછી એક બે ખેલૈયા રમવામાં અળઘોળ થતાં એક આંટી બંધાવાના બદલે છૂટી ગઇ. અને પછી મેળ ના પડતા પડદો પાડી દેવો પડ્યો. ગોફ ગુંથનનો કોરીઓગ્રાફર અને રાસ-ગરબા નૃત્ય સંબંધી પાંચ પુસ્તક લખનાર મારો પારિવારિક મિત્ર સ્વ.જગદીશ પંડયા જેને કલાકાર વર્તુળ ’જગા’ના ટુંકા નામથી જ ઓળખતું.

P4

૧૯૭૩માં અમદાવાદના ચંદ્રકાંત માસ્તરે ’કલા સંગમ’ને રાસ અને ગરબી એમ બે કૃતિ માટે આમંત્રિત કરેલી. રાસ ખુબ શ્રમ માંગી લેતું લોકનૃત્ય છે. ભાવનગરના કલાકારોને પૂરા હસતા ચહેરે રાસ-રમતા જોઇને અમદાવાદની કેટલીક સંસ્થાઓના કલાકારો પ્રભાવિત થયા હતા. ’કંકણ’ સંસ્થાના પ્રણેતા ચિત્રાબેન શાહ જેઓ મૂળ ભાવનગરના હતા, તેમણે જીતુભાઇને કહ્યું કે અમારી દીકરીઓ ધીમી લયના અર્વાચીન ગરબા કરે છે. છતાં ચહેરા ગંભીર હોય છે. તમે દીકરીઓને કોઇ ટીપ આપો. આ વાત સાંભળી રાત્રીના બીજા શો માં ’કલાસંગમ’ સાથે આવેલા મહેન્દ્ર પટેલ ઉર્ફે ભનાભાઇએ એ સમયે ટાઉન હોલની દિવાલને અડીને આવેલા હેવમોરમાંથી આઇસક્રીમનું પુંઠાનું બોક્સ તોડી પુંઠા ઉપર બોલપેનથી ઘુંટીને લખ્યું ’જરા હસો’. દાંડીયા સાથે આ બેનર બાંધી સ્ટેજની સાઇડ વિંગ ઉપર તેઓ ઉભા રહેલા.

P5

હળવું હાસ્ય રેલાવતો એક પ્રસંગ મુંબઇમાં બનેલો. પાર્લાના ભાઇદાસ હોલમાં ’કલા સંગમ’ અને પોયણીબેન ઓઝાના ’ખૂશ્બુ’ સંસ્થાના યોજાયેલા કાર્યક્રમમાં પોયણીબેને તૈયાર કરાવેલા ગરબાઓ પૈકી એક ગરબામાં તાલનું વૈવિધ્ય હતું. આથી ખાસ કરીને ઢોલ-તબલા વાદકે એક એક દાવના તાલ યાદ રાખવા પડે. નૃત્ય નિર્દેશિકા પોતે પણ હંમેશા નવું કરવાના આગ્રહી. એક ગરબામાં તેમણે ત્રણ-ચાર તાલ સમાવેલા. મુખ્ય રીધમિસ્ટ સુરેશ વાઘેલા તાલ યાદ રાખવા કરતા ચિઠ્ઠીમાં લખી લેતો. હું ’કલા સંગમ’ની આઇટેમ્સમાં પ્રાઇમ રીધમિસ્ટ અને ’ખૂશ્બુ’માં અમરીશ મહેતા અને સુરેશના સહાયક રીધમિસ્ટ તરીકે હતો. આ શો માં પણ તેણે તાલ લખેલી કાપલી ઢોલ ઉપરની દોરી નીચે ભરાવીને રાખેલી. ગરબાની ચલતીની ફાસ્ટ રીધમેટિક એન્ટ્રીમાં ઢોલ ઉપર થાપીના કારણે આ કાપલી સરકી ગઇ. તેને સતત વગાડવાનું હોવાથી જેમ તેમ કરી આ કાપલી ફરી ઢોલ ઉપર રાખી પરંતુ સ્ટેજ ઉપર લાઇટીંગના રંગબેરંગી પ્રકાશના કારણે તેને વાંચવામાં ખલેલ પડતી હતી. પરિણામે ગરબામાં તાલ અને થાપ આધારીત દાવ ફરતા હોવાથી થોડો સમય મૂંજવણભરી સ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ પોયણી ઓઝાએ બાજી સંભાળી લીધી.પ્રેક્ષકોને તેનો ખ્યાલ પણ આવવા દીધો ન હતો. રંગમંચના નેપ્થ્યે બનતા આવા પ્રસંગો ચિરંજીવી બનવા સાથે એ દિવસો ભાવનગરીઓને તેના ભવ્ય ઇતિહાસને મમળાવવા સાથે ’ડાઉન મેમરી લેન’માં લઇ જાય છે.

Reproduced with gratitude to Yagnesh Acharya.

યજ્ઞેશ આચાર્યના આભાર સાથે.